મુંબઈ/નવી દિલ્હી: વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ પહોંચતાં માગ તળિયે બેસી જવાને કારણે ગત ડિસેમ્બર મહિનામાં સોનાની આયાત ૭૯ ટકાના ઘટાડા સાથે બે દાયકાની નીચી સપાટીએ પહોંચી હોવાનું રૉઈટર્સે એક અહેવાલમાં જણાવ્યું છે. સોનાના ભાવ આઠ મહિનાની ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી સોનાના વૈશ્ર્વિક વપરાશમાં બીજો ક્રમાંક ધરાવતા ભારતની ઊંચા મથાળેથી માગ નિરસ રહેવાથી વૈશ્ર્વિક સોનામાં પણ ભાવવધારો મર્યાદિત રહેવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. ડિસેમ્બરમાં ઘટેલી સોનાની આયાત દેશની વેપાર ખાધ અને રૂપિયાને ટેકો આપશે. સોનાના ભાવ ઊંચી સપાટીએ રહેવાને કારણે માગ પર માઠી અસર પડી હોવાથી ડિસેમ્બર મહિનાની સોનાની આયાત ડિસેમ્બર, ૨૦૨૧નાં ૯૫ ટન સામે ૭૯ ટકાના ઘટાડા સાથે ૨૦ ટન આસપાસ રહી હોવાનું એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે રૉઈટર્સને એક અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે મૂલ્યની દૃષ્ટિએ ગત ડિસેમ્બરની આયાત આગલા ડિસેમ્બર મહિનાના ૪.૭૩ અબજ ડૉલર સામે ઘટીને ૧.૧૮ અબજ ડૉલરના સ્તરે રહી છે.