મુંબઈ: તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ પહોંચવાની સાથે સ્થાનિકમાં સોનાની માગમાં ઘટાડો થવા ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરોએ પણ નવી ખરીદી મોકૂફ રાખતા ગત જાન્યુઆરી મહિનામાં દેશની સોનાની આયાત જાન્યુઆરી ૨૦૨૨ની સરખામણીમાં ૭૬ ટકાના ઘટાડા સાથે ૩૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી હોવાનું રૉઈટર્સે એક અહેવાલમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે સોનાની વૈશ્વિક આયાતમાં ભારત બીજો ક્રમાંક ધરાવે છે અને સોનાના બૅન્ચમાર્ક ભાવ ઊંચી સપાટીએથી ગ્રાહકલક્ષી માગમાં ઘટાડો થતાં આયાતમાં ઘટાડો થાય છે, પરંતુ આયાતમાં ઘટાડો દેશની ચાલુ ખાતાની ખાધ નીચે લાવવામાં અને રૂપિયાને ટેકો આપવામાં મદદરૂપ થતી હોય છે. ગત જાન્યુઆરી મહિનામાં દેશમાં સોનાની આયાત જાન્યુઆરી ૨૦૨૨ના ૪૫ ટન સામે ઘટીને માત્ર ૧૧ ટનની થઈ હોવાનું એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવતા ઉમેર્યું હતું કે મૂલ્યની દૃષ્ટીએ સોનાની આયાત જાન્યુઆરી ૨૦૨૨ના ૨.૩૮ અબજ ડૉલર સામે ઘટીને ૬૯.૭ કરોડ ડૉલરના સ્તરે રહી હતી. ગત જાન્યુઆરી મહિનામાં દેશમાં સોનાના ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૨૭૦ની ટોચે પહોંચ્યા હોવાથી રિટેલ માગ પર માઠી અસર પડી હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે હવે લગ્નસરાની મોસમને કારણે માગમાં સુધારો જોવા મળે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. સામાન્યપણે દેશમાં પરંપરાગત લગ્નસરાની મોસમમાં ભેટ-સોગાદ આપવા માટે સોનાના આભૂષણોમાં માગ પ્રબળ રહેતી હોય છે. વધુમાં ભાવની ઊંચી સપાટી ઉપરાંત સરકાર ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનારા અંદાજપત્રના પ્રસ્તાવોમાં આયાત જકાતમાં ઘટાડો કરશે એવા આશાવાદને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકોએ પણ નવી ખરીદી મોકૂફ રાખી હોવાથી આયાતમાં ઘટાડો થયો હતો. જોકે, જ્વેલરોની આ આશા ફળીભૂત નહોંતી થઈ, પરંતુ સરકારે ચાંદી પરની આયાત જકાતમાં વધારો ઝિંક્યો હતો.