ફેડરલની બેઠકની ફળશ્રુતિ પૂર્વે ડૉલર નબળો પડતાં સોનામાં સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે ખાસ કરીને મોડી સાંજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે સોનામાં રોકાણકારોએ નવી લેવાલી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી હાજરમાં સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. વધુમાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસા જેટલો નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૧થી ૮૨નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૬૮૫નો ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહી હતી. જોકે, ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૧ વધીને રૂ. ૫૦,૬૩૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૨ વધીને રૂ. ૫૦,૮૪૨ના મથાળે રહ્યા હતા. જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૮૫ વધીને રૂ. ૫૪,૮૪૦ના મથાળે રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ આજે સમાપન થતી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં આજે ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હોવા છતાં રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૭૨૩.૨૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ૧૭૨૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ૧૮.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બૈઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા હોવા છતાં બેઠકના અંતે નિર્ણયની જાહેરાત થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે. તેમ છતાં નિર્ણય પશ્ર્ચાત્ વેચાણો કેટલા કપાય છે તેના પર સોનાના ભાવની વધઘટ અવલંબિત રહેશે, એમ એક વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે વ્યાજદર અને બૉન્ડની યિલ્ડમાં વધારાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી મંદ પડતી હોય છે. એકંદરે વ્યાજદરમાં ત્રણ મહિના સુધી વધારો રહેવાનો હોવાથી સોનાના ભાવ શક્યત: ઔંસદીઠ ૧૭૦૦ ડૉલરની સપાટીની અંદર પણ ઉતરે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.