વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૭૪નો અને ચાંદીમાં ₹ ૩૩૫નો ઘટાડો

14

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૦ અને કિલોદીઠ રૂ. ૧૨૩૯નો ઉછાળો આવ્યા બાદ આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારોમાં ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક વધારાની ભીતિ સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીનાં ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું.
તે જ પ્રમાણે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગઈકાલે જોવા મળેલા ઉછાળા ઉભરા જેવાં નિવડતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨થી ૫૩નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધતાં સોનામાં ભાવઘટાડો વિશ્ર્વ બજારની સરખામણીમાં મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૪૦નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. તેમ જ હોળાષ્ટકને કારણે રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨ ઘટીને રૂ. ૫૫,૮૬૩ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૩ના ઘટાડા સાથે રૂ. ૫૬,૦૮૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ ગઈકાલના ઉછાળા બાદ આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૪૦ના ઘટાડા સાથે રૂ. ૬૩,૭૦૬ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના મેન્યુફેક્ચરિંગ ડેટામાં સતત ચોથા મહિને ઘટાડો થયો હોવા છતાં નવાં ઓર્ડરોમાં અઢી મહિનાની નીચી સપાટીએથી સુધારો થયો હોવાનું જણાતા પુન: રોકાણકારોમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮૩૧.૧૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકાના ઘટાડા સાથે ૧૮૩૭.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૦.૭૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી ૨૧-૨૨ માર્ચની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે જાહેર થનારા અમેરિકાનાં આર્થિક ડેટાઓ અનુસાર વૈશ્ર્વિક સોનું બેતરફી વધઘટે અથડાતું રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આગામી સપ્ટેમ્બર સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર ૫.૪૮૮ ટકા આસપાસની સપાટી સુધી રાખે તેવી શક્યતા નાણાં બજારના વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!