(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગઈકાલે સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮નો અને ચાંદીમાં કિલોદીઠ રૂ. ૯૨૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૨૦ના ઘટાડા સાથે રૂ. ૬૭,૮૪૮ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં મધ્યસત્ર દરમિયાન રૂ. ૪૮નો સુધારો જોવા મળ્યા બાદ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સત્રના અંતે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૩૫૨ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૫૭૧ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારો પણ નવી લેવાલીથી દૂર રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ક્રિસમસની રજાઓ હોવાથી આ સપ્તાહે કોઈ મહત્ત્વના આર્થિક ડેટાની જાહેરાત પણ ન થવાની હોવાથી એકંદરે કામકાજો પાંખા રહ્યા હતા. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી તેમ જ સોનામાં રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૦૩.૦૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭ ટકા ઘટીને ૧૮૧૦.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધી સોનાના ભાવમાં બે વર્ષની નીચી સપાટીએથી ઔંસદીઠ ૨૦૦ ડૉલર સુધીનો ઉછાળો આવ્યો છે. જોકે, હવે આગામી દિવસોમાં સોનાના ભાવની વધઘટનો આધાર ડૉલરની વધઘટ, ફુગાવાના ડેટા, ફેડરલનું વ્યાજ વધારા અંગેનું વલણ, ચીનમાં કોરોનાની સ્થિતિ અને વૈશ્ર્વિક સ્તરના રાજકીય-ભૌગોલિક કારણો પર અવલંબિત રહેશે, એમ બજાર વર્તુળો જણાવે છે. ઉ