મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત નીચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૬૦નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૪થી ૪૨૬નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો આવ્યો સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં થનારા અપેક્ષિત ઘટાડાને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને પ્રવર્તમાન લગ્નસરાની રિટેલ સ્તરની માગનો ટેકો મળતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૨૪ વધીને રૂ. ૫૬,૩૭૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨૬ વધીને રૂ. ૫૬,૬૦૧ પ્રતિ ૧૦ ગ્રામના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬૦ વધીને ફરી રૂ. ૬૫,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૬૫,૭૬૦ના મથાળે રહ્યા હતા. દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિ વિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સમાં આગામી વ્યાજદરમાંં વધારા અંગે કેવું વલણ અપનાવવામાં આવશે તેના અણસારની રાહમાં રોકાણકારોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ છતાં ડૉલર નબળો પડ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આગલા બંધથી સાધારણ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૮૪૪.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકાના વધારા સાથે ૧૮૫૩.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં જાહેર થયેલા અમેરિકાના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક હોવાથી ફુગાવો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતાં બજાર વર્તુળો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં પુન: આક્રમક અભિગમ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના કૉમૉડિટી રિસર્ચ હેડે જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.