સોનામાં ₹ ૨૭નો ઘટાડો અને ચાંદીમાં ₹ ૧૦૦નો ધીમો સુધારો

વેપાર વાણિજ્ય

રોકાણલક્ષી માગને ટેકે વર્ષ ૨૦૨૨માં ચાંદીની આયાત વિક્રમ સપાટીએ પહોંચવાની શક્યતા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવા છતાં આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૮ પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે પણ સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૦નો સુધારો આવ્યો હતો. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૦ વધીને રૂ. ૫૭,૮૨૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૮૨૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૦૩૪ના મથાળે રહ્યા હતા. આગામી વર્ષોમાં સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ રળતર છૂટવાના આશાવાદ અને ચાંદીના ભાવ બે વર્ષની નીચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી દેશમાં ચાંદીની આયાતમાં વધારો થવાની શક્યતા ગુજરાત સ્થિત એક આયાતકારે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રોકાણલક્ષી માગને ટેકે વર્ષ ૨૦૨૨માં દેશની ચાંદીની આયાત ૮૨૦૦ ટનની વિક્રમ સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર વર્ષ ૨૦૨૨ના પહેલા સાત મહિનામાં દેશની ચાંદીની આયાત વર્ષ ૨૦૨૧ના સમાનગાળાના માત્ર ૧૧૦ ટન સામે વધીને ૫૧૦૦ ટનની સપાટીએ રહી છે. આ પૂર્વે વર્ષ ૨૦૧૯માં ૫૯૬૯ ટન, વર્ષ ૨૦૨૦માં ૨૨૧૮ ટન અને વર્ષ ૨૦૨૧માં ૨૭૭૩ ટન ચાંદીની આયાત થઈ હતી. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૭૧.૯૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૭૮૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૧.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે સોનાના વિશ્ર્વના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૧૮ ટકા ઘટીને જાન્યુઆરી પછીની સૌથી નીચી ૯૯૨.૨૦ ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.