સોનામાં ₹ ૧૮૭નો ઘટાડો, ચાંદી વધુ ₹ ૧૩૩૩ ઉછળી

વેપાર વાણિજ્ય

મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સોનામાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૩૬ પૈસા વધીને ૭૯.૧૭ના મથાળે રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૬થી ૧૮૭નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હોવાના ઓવરનાઈટ અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૩૩ ઉછળીને રૂ. ૫૭,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૩૩ની તેજી સાથે રૂ. ૫૭,૨૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને ડૉલર નબળો પડવાને કારણે સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો, જ્વેલરી ઉત્પાદકોની વધુ ભાવઘટાડાના આશાવાદે તથા રિટેલ સ્તરની શ્રાદ્ધપક્ષને કારણે માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૬ ઘટીને રૂ. ૫૦,૪૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૮૭ ઘટીને રૂ. ૫૦,૬૭૬ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં રોકાણકારોએ અપનાવેલા સાવચેતીના અભિગમ ઉપરાંત ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતા સુધારો આવ્યા બાદ આજે હાજરમાં ભાવ ગઈકાલની જ ઔંસદીઠ ૧૭૨૬.૩૯ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૧૭૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ગઈકાલે ચાંદીના ભાવ વધીને ગત ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે ઔંસદીઠ ૧૯.૭૭ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.