Homeવેપાર વાણિજ્યરૂપિયો સુધરતા વિશ્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૪૧૬નો અને ચાંદીમાં ₹ ૮૦૪નો...

રૂપિયો સુધરતા વિશ્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૪૧૬નો અને ચાંદીમાં ₹ ૮૦૪નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ઘણાંખરા સભ્યો વ્યાજદરમાં હળવી માત્રામાં વધારો કરવા સહમત થયાના નિર્દેશો સાથે આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર નબળો પડતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૫થી ૪૧૬નો ઘટાડો આવ્યો હતો, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૫૬,૦૦૦ની સપાટી ગુમાવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૦૪ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિક ઝવેરી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૦૪ના ઘટાડા સાથે રૂ. ૬૫,૧૮૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં વિશ્ર્વ બજારથી વિપરીત નરમાઈનું વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૫ ઘટીને રૂ. ૫૫,૮૫૫ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૧૬ના ઘટાડા સાથે રૂ. ૫૬,૦૮૦ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ હજુ વધતા ફુગાવા સામે ઝઝૂમી રહી હોવાથી વ્યાજદરમાં વધારો કરશે, પરંતુ વધારો પહેલા જેવો આક્રમક નહીં રહે તેવો નિર્દેશ આપવાની સાથે ફેડરલ આગામી આર્થિક આંકડાઓ પર બારીકાઈથી નજર રાખશે, એમ જણાવ્યું હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૨૬.૨૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકાના ઘટાડા સાથે ૧૮૩૩.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વ્યાજદરમાં ધીમા વધારાને કારણે સોનામાં સુધારાને ટેકો મળતા ભાવ કોન્સોલિડેટ થઈ રહ્યા હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના વિશ્ર્લેષકે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ જેમ્સ બુલાર્ડે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે ૫.૨૫થી ૫.૫૦ ટકા વ્યાજદરની સપાટી પર્યાપ્ત હોવાનું જણાવ્યું હતું, જ્યારે ફેડ ફંડ ફ્યુચર્સના ટ્રેડરો આગામી જુલાઈ સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર ૫.૩૬૨ ટકા સુધી વધારશે અને શેષ વર્ષ દરમિયાન વ્યાજદર પાંચ ટકાની ઉપરની સપાટી સુધી જાળવી રાખે તેવી ધારણા મૂકી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular