વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં ₹ ૨૦નો ઘસરકો, ચાંદી ₹ ૬૯૫ તૂટી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થયો હોવા છતાં આજે મોડી સાંજે અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા વૈશ્ર્વિક સોનું એક મહિનાની ઊંચી સપાટીએથી પાછું ફર્યું હતું. જ્યારે સ્થાનિકમાં આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીએ સતત ત્રીજી વખત ટૂંકાગાળાના ધિરાણ દર (રિપો રેટ) ૫૦ બેઝિસ પૉઈન્ટ વધારીને ૫.૪ની સપાટીએ રાખ્યા હતા. આમ ગત મે, ૨૦૨૨થી અત્યાર સુધીમાં રિપો રેટમાં ૧૪૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો છે. આમ વ્યાજદરમાં વધારાના નિર્ણયને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ભારે ચંચળતાનું વલણ રહ્યા બાદ અંતે ડૉલર સામે રૂપિયો ૧૬ પૈસા વધી આવતાં સોનાની આયાત પડતરમાં ઘટાડો અને વૈશ્ર્વિક નરમાઈતરફી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦નો સાધારણ ઘસરકો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૬૯૫નો ઘટાડો આવ્યો હતો. આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૯૫ ઘટીને રૂ. ૫૭,૩૬૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૮૧૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૦૧૯ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફર્યાં હતા અને ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૮૪.૯૧ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૦૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.