Homeવેપાર વાણિજ્યસપ્તાહના અંતે સોનામાં ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ માગનો સંચાર

સપ્તાહના અંતે સોનામાં ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ માગનો સંચાર

બજેટમાં આયાત જકાત ઘટાડાનો આશાવાદ ફળીભૂત ન થતાં જ્વેલરી ઉત્પાદકોની માગ

કોમોડિટી -રમેશ ગોહિલ

વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યા બાદ ગત સપ્તાહના અંતે વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૦૦૦ની સપાટીની અંદર ઉતરી જતાં રિટેલ સ્તરની માગમાં સંચાર જોવા મળ્યો હતો. વધુમાં વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રના પ્રસ્તાવોમાં નાણાં પ્રધાન સોના પરની આયાત જકાતમાં ઘટાડો કરતાં ભાવમાં ઘટાડો આવશે એવા આશાવાદે જ્વેલરી ઉત્પાદકોએ નવી ખરીદી મોકૂફ રાખી હતી, પરંતુ અંદાજપત્રમાં જ્વેલરોનો આ આશાવાદ ફળીભૂત ન થતાં ગત સપ્તાહે જ્વેલરોની પણ માગ ખૂલી હોવાના અહેવાલ હતા. આમ એકંદરે સપ્તાહ દરમિયાન માગનો ટેકો મળતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૮ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ ૪૮ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૭૮૮ના બંધ સામે નરમાઈના ટોને ૫૭,૪૩૨ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૬,૯૮૩ અને ઉપરમાં રૂ. ૫૭,૫૯૭ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૫૭,૦૩૮ના મથાળે બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં ૦.૧૨ ટકા અથવા તો રૂ. ૭૫૦નો ઘટાડો આવ્યો હતો. તેમ જ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬,૮૧૦ની સપાટીએ બંધ રહ્યા હતા. એકંદરે બે મહિના પછી સ્થાનિક ઝવેરી બજારમાં રિટેલ જ્વેલરી ઉત્પાદકોની માગનો સંચાર જોવા મળ્યો હોવાનું મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવતાં ઉમેર્યું હતું કે રિટેલ સ્તરની માગમાં સુધારો થયો છે, પરંતુ અપેક્ષિત માગનો વસવસો જણાય છે.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે સોનામાં રિટેલ સ્તરની માગનો આરંભ થયો હોવાથી ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧૨થી ૧૫ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીના રિજિનલ ડિરેક્ટર બર્નાડ સિને જણાવ્યું હતું કે ડૉલર સામે રેનેમ્બીને ગબડતો અટકાવવા માટે ચીન સોનાની અનામતોમાં વધારો કરી રહ્યું છે. ગત જાન્યુઆરી મહિનાના અંતે ચીનની સોનાની અનામતનું મૂલ્ય જે ડિસેમ્બરના અંતે ૧૧૭.૨૪ અબજ ડૉલર હતું તે વધીને ૧૨૫.૨૮ અબજ ડૉલરના સ્તરે રહ્યું હતું. તેમ જ ગત વર્ષ ૨૦૨૨માં ચીનની કેન્દ્રવર્તી બૅન્કે ૧૧૩૬ ટન સોનાની ખરીદી કરી હતી.
વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો કરવાનો અભિગમ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં ગત સપ્તાહે સોનામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે સોનામાં સુધારો મર્યાદિત રહે છે. હાલમાં અમેરિકાના રોજગારીના ડેટા મજબૂત આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૩માં વ્યાજદર પાંચ ટકા આસપાસ રાખીને બીજા છમાસિકગાળા આસપાસ વ્યાજ વધારો બંધ કરે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હતો. જોકે, હવે બજાર વર્તુળો જુલાઈ સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજના દર જે હાલ ૪.૫૦થી ૪.૭૫ છે તે વધારીને ૫.૧૫ ટકા રાખે તેવી ધારણા મૂકી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે હજુ વેતન વૃદ્ધિમાં અપેક્ષિત ઘટાડો ન થયો હોવાથી વધુ વ્યાજદરની આવશ્યકતા રહેવાનું જણાવતાં સોનાના વૈશ્ર્વિક ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, આ ઘટાડાને અમુક વિશ્ર્લેષકો ભાવ કોન્સોલિડેટ થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ઓનલાઈન વાયદા માટે ઔંસદીઠ ૧૮૪૦ ડૉલર આસપાસની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૧૯૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પૂરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૮૦૦થી ૫૭,૯૦૦ આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા જણાય છે. દરમિયાન ગત સપ્તાહના અંતે રોકાણકારોની નજર આગામી ૧૪ ફેબ્રુઆરીના રોજ જાહેર થનારા ફુગાવાના ડેટા પર હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી સાધારણ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૮૬૪.૧૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકાના ઘટાડા સાથે ૧૮૭૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular