(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૩-૧૪ ડિસેમ્બરની નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવ સાંકડી વધઘટે અથડઈ ગયા હતા, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી સાધારણ ત્રણ પૈસાનો સુધારો આવતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ સાધારણ રૂ. ૭૦નો ધીમો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનામાં રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૩૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૫૮૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ભાવ કિલોદીઠ રૂ. ૭૦ના સાધારણ સુધારા સાથે રૂ. ૬૪,૭૧૮ના મથાળે બંધ રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે આગામી સપ્તાહની ફેડરલની નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહેતાં હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૧૭૭૧.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૭૮૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલ બજારની નજર આગામી સપ્તાહની ફેડરલ રિઝર્વની બેઠક પર સ્થિર થઈ છે. જોકે, ફેડ ફ્યુચર્સ અંતર્ગત ૯૧ ટકા વર્ગનું માનવું છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૨ ટકા જેટલો વધારો થવાથી પણ સોનામાં સુધારો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સોનામાં ₹ ૪૬નો ઘસરકો, ચાંદીમાં ₹ ૭૦નો ધીમો સુધારો
RELATED ARTICLES