સોનામાં વધુ ₹ ૩૦૨નો ઘટાડો, ચાંદી ₹ ૭૪૫ ઘટીને ₹ ૬૦,૦૦૦ની અંદર

વેપાર વાણિજ્ય

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વધતા ફુગાવાને દબાણ હેઠળ લાવવા માટે વધુ આકરા પગલાં લેવાનો સંકેત આપતાં આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૧થી ૩૦૨નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર સામે રૂપિયો પણ બેતરફી વધઘટે અથડાઈને ટકેલો રહ્યો હોવાથી મધ્ય સત્ર બાદ સોનામાં ભાવઘટાડો તીવ્ર બન્યો હતો.
તેમ જ આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૪૫ ઘટીને રૂ. ૬૦,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા. આજે સ્થાનિકમાં ઘટતી બજારના માહોલમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૧ ઘટીને રૂ. ૫૦,૬૪૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૦૨ ઘટીને રૂ. ૫૦,૮૫૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ ક્લિોદીઠ રૂ. ૭૪૫ ઘટીને રૂ. ૫૯,૯૯૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષે ફુગાવા સામે લડવા માટે વ્યાજદરમાં એક ટકા સુધીનો વધારો કરવાનો અણસાર આપ્યો હોવાથી આજે ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં આજે મોડી સાંજે અમેરિકી સંસદમાં ફેડરલના અધ્યક્ષના નિવેદન પર રોકાણકારોની નજર હોવાથી સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ પણ રહ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.