સોનું ₹ ૫૮૧ તૂટીને રૂ. ૫૦,૦૦૦ની અંદર, ચાંદીમાં ₹ ૧૪૬૦નું ગાબડું

બિઝનેસ

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નિર્ણાયક બેઠક પૂર્વે વૈશ્ર્વિક સોનું એક વર્ષની નીચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની આજની નીતિવિષયક બેઠકમાં વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરશે અને અમેરિકી ફેડરલ રિઝર્વ પણ તેની આગામી ૨૬-૨૭ જુલાઈની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઘટીને એક વર્ષની નીચી સપાટી સુધી ગબડી જતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૯થી ૫૮૧ તૂટીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૪૬૦નું ગાબડું પડતાં ભાવ રૂ. ૫૪,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૦ પૈસાનું બાઉન્સબૅક જોવા મળતાં આયાત પડતરમાં પણ ઘટાડો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વધુમાં તાજેતરના ભાવઘટાડાના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૯ ઘટીને રૂ. ૪૯,૭૭૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૮૧ ઘટીને રૂ. ૪૯,૯૭૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૬૦ના કડાકા સાથે રૂ. ૫૩,૯૦૭ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક સહિતની કેન્દ્રવર્તી બૅન્કો વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં બૅન્કોની બૉન્ડમાં ઊપજ વધુ છૂટતી હોવાથી હાલ રોકાણકારોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી નિરસ રહેતી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા ઘટીને લગભગ એક વર્ષ કરતાં વધુ સમયગાળાની નીચી અથવા તો માર્ચ, ૨૦૨૧ પછીની નીચી ૧૬૮૨.૬૭ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકાના ઘટાડા સાથે ૧૬૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી બે ટકાના ઘટાડા સાથે ૧૮.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.