મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાચાંદીમાં રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં સુધારો અને ચાંદીના ભાવ ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાના તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૫ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં પણ ઘટાડો થયો હોવા છતાં ગઈકાલે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી આજે ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ લેવાલી નીકળતાં ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું,
જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૭થી ૩૩૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૧૧નો સુધારો આવ્યો હતો. આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૧૧ વધીને ફરી રૂ. ૭૧,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૭૧,૧૨૯ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની છૂટીછવાઈ ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૭ વધીને રૂ. ૬૦,૪૩૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩૮ વધીને રૂ. ૬૦,૬૮૦ના મથાળે રહ્યા હતા.
અમેરિકા ખાતે દેવાની ટોચ મર્યાદા વધારવા અંગેની વાટાઘાટો ઉપરાંત આજે મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લની નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર રોકાણકારોની નજર હોવાથી આજે લંડન ખાતે રોકાણકારોએ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતાં સત્રના આરંભે સોનાના વાયદામાં ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૭ ટકા ઘટીને ૧૯૭૯.૮૦ ડૉલર આસપાસ અને ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૪ ટકા ઘટીને ૨૩.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં આગામી વ્યાજદરમાં વધારો, કપાત કે પછી વ્યાજદરમાં ઘટાડો ક્યારથી કરવામાં આવશે તે અંગે કોઈ અણસાર મળે છે કે નહીં તેના પર રોકાણકારો અને બજાર વર્તુળોની નજર હોવાથી આજે સોનામાં સલામતી માટેની માગ પાંખી રહી હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી ફેડરલ રિઝર્વ તરફથી નાણાનીતિ અંગેના કોઈ સ્પષ્ટ સંકેત નહીં મળે ત્યાં સુધી સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.