(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૩-૧૪ ડિસેમ્બરની નીતિવિષયક બેઠક અને ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૨૧ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવ વધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૩થી ૧૩૪ સુધી સીમિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૫૭ વધીને રૂ. ૬૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લગ્નસરાની ખપપૂરતી માગને ટેકે મધ્યસત્ર દરમિયાન ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૩૩ વધીને રૂ. ૫૩,૬૯૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૪ વધીને રૂ. ૫૩,૯૧૪ના મથાળે રહ્યા હતા. જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૫૭ની તેજી સાથે રૂ. ૬૬,૩૧૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૨ ટકાનો ઘટાડો આવતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ નીકળતાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૭૯૪.૪૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ૧૮૦૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી ૧૩મી ડિસેમ્બરે અમેરિકાના ફુગાવાની ડેટાની જાહેરાત થશે અને ૧૪ ડિસેમ્બરના રોજ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં વધારાની જાહેરાત થશે. આ પૂર્વે ડૉલર ઈન્ડેક્સની વધઘટ અનુસાર સોનામાં વધઘટ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ આગામી નીતિ વિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. જોકે, બજારના અમુક વર્તુળોનું માનવું છે કે આગામી દિવસોમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૮૦૦ ડૉલર આસપાસની સપાટીએ સ્થિર થશે.