ચાંદી રૂ. ૮૨૭ તૂટી, સોનામાં રૂ. ચારનો ઘસરકો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે સોનામાં ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૧ ટકાનો સુધારો આવ્યો હોવાના નિર્દેશ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ચારનો સાધારણ ઘસરકો આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો વધુ આઠ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૮૨૭નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં મધ્ય સત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૨૭ના ઘટાડા સાથે રૂ. ૫૯,૬૯૧ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની એમ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં મધ્ય સત્ર દરમિયાન ભાવ ગઈકાલના બંધથી સાધારણ રૂ. ચારના ઘસરકા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૮૨૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૦૨૫ની સપાટીએ રહ્યા હતા.
દરમિયાન આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૧ ટકાનો સુધારો તેમ જ અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૨૧.૫૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૨૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.