(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહેતાં આજે લંડન ખાતે હાજરમાં ટકેલું વલણ અને વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩નો ઘસરકો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે પણ સોનાના ભાવ એકંદરે દબાણ હેઠળ રહ્યા હતા, જ્યારે મધ્ય સત્ર દરમિયાન ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૦૭ ઘટી આવ્યા હતા. ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ નરમાઈનું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસુાર આજે ખાસ કરીને સોનામાં ગત શુક્રવારે આવેલા ઝડપી ઉછાળા બાદ જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારો અવઢવમાં મુકાઈ ગયા હતા. તેમ જ ફેડરલ રિઝર્વની આગામી બેઠકને ધ્યાનમાં લેતા સાવચેતીનો અપનાવતા આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્ય સત્ર દરમિયાન કામકાજ પાંખાં રહેતાં હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૬૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૮૦૩ આસપાસના મથાળે રહ્યા હતા. જોકે, મધ્ય સત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૦૭ ઘટીને રૂ. ૫૪,૪૦૨ના મથાળે રહ્યા હતા.
આવતીકાલ તા. ૨૬થી શરૂ થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં એક તબક્કે ભાવમાં ૦.૩ ટકાનો ઘટાડો આવ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ઔંસદીઠ ૧૭૨૬.૦૯ ડૉલર આસપાસ ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૨૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ૧૮.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. જોકે, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ મંદ પડે તેની ચિંતા હેઠળ આજે એશિયન શૅર બજારોમાં પણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનામાં સલામતી માટેની માગ ખૂલે તેવો આશાવાદ વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.