સોનામાં રૂ. ૭૦૫નું અને ચાંદીમાં રૂ. ૧૧૭૮નું બાઉન્સબૅક

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ૧.૩ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦૨થી ૭૦૫ના બાઉન્સબૅક સાથે ફરી રૂ. ૫૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તે જ પ્રમાણે મધ્ય સત્ર દરમિયાન ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૭૮ વધીને રૂ. ૫૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં મધ્ય સત્ર દરમિયાન વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦૨ વધીને રૂ. ૫૦,૪૭૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૦૫ વધીને રૂ. ૫૦,૬૭૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્ય સત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૭૮ વધીને રૂ. ૫૫,૦૮૫ના મથાળે રહ્યા હતા.
ગત બુધવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ ઘટીને એક વર્ષ કરતાં વધુ સમયગાળાની નીચી ઔંસદીઠ ૧૬૮૦.૨૫ ડૉલરની સપાટી સુધી ગબડી ગયા બાદ ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સોનાના ભાવમાં ૧.૩ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને ભાવ ફરી ૧૭૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયા હતા.
જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ૧૭૧૫.૧૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૧૩.૪૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. ગઈકાલે સોનાના ભાવમાં નોંધપાત્ર સુધારો આવ્યો હોવાથી છ સપ્તાહ પછી પહેલી વખત સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે સુધારો જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.