વ્યાજદર વધારાની ભીતિ: વૈશ્ર્વિક સોનું એક વર્ષની નીચી સપાટીની નજીક સ્થાનિક સોનામાં રૂ. ૩૭૧નો અને ચાંદીમાં રૂ. ૬૩૦નો ઘટાડો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વધતા ફુગાવાને ડામવા માટે વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઘટીને એક વર્ષની નીચી સપાટીની નજીક પહોંચ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૦થી ૩૭૧નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ગઈકાલના બંધથી ૧૦ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનામાં ભાવ ઘટાડાને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત આજે ચાંદીના ભાવમાં પણ વધુ કિલોદીઠ રૂ. ૬૩૦ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્ય સત્ર દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૦ ઘટીને રૂ. ૪૯,૯૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૭૧ ઘટીને રૂ. ૫૦,૧૮૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્ય સત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૩૦ ઘટીને રૂ. ૫૪,૭૩૭ની સપાટીએ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક સહિતની કેન્દ્રવર્તી બૅન્કો વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં બૅન્કોની બૉન્ડમાં ઊપજ વધુ છૂટતી હોવાથી હાલ રોકાણકારોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી નિરસ રહેતી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને લગભગ એક વર્ષની નીચી અથવા તો ગત ઑગસ્ટ ૨૦૨૧નાં આરંભ આસપાસની ૧૬૯૨.૮૦ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૬૮૯.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
કેન્દ્રવર્તી બૅન્કોની નીતિવિષયક બેઠક પૂર્વે આજે વૈશ્ર્વિક સોનાએ ઔંસદીઠ ૧૭૦૦ ડૉલરની સપાટી તોડી હોવાથી ભાવમાં ઘટાડો આગળ ધપે તેવી શક્યતા એએનઝેડના વિશ્ર્લેષકે વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ગઈકાલે વિશ્ર્વમાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૩ ટકા ઘટીને ૧૦૦૫.૮૭ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.