સોનામાં રૂ. ૨૦૧ અને ચાંદીમાં રૂ. ૩૩૩ની પીછેહઠ

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પ્રબળ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન બન્ને કીમતી ધાતુના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હતી, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૦થી ૨૦૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩૩નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી ભાવ વધુ દબાણ હેઠળ રહ્યા હતા, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૦ ઘટીને રૂ. ૨૦,૨૭૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૧ ઘટીને રૂ. ૫૦,૪૭૭ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. વધુમાં આજે ચાંદીમાં પણ મધ્ય સત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૩૩ ઘટીને રૂ. ૫૫,૨૩૦ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા તેમ જ આવતીકાલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની વિચારણા કરી રહી હોવાના નિર્દેશ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ હોવા છતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૧૭૦૬.૮૫ ડૉલર અને ૧૭૦૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૮.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હાલમાં ફુગાવામાં વધારાની ભીતિ છતાં વ્યાજદરમાં વધારાની ભીતિ, ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતી હોવાથી સોનામાં અવિરત પીછેહઠ જોવા મળી રહી હોવાનું રૉઈટર્સના વિશ્ર્લેષક વૉંગ તાઓએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૭૨૧ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે. જોકે, ભાવ આ સપાટી કુદાવે તો ભાવ વધીને ૧૭૨૮થી ૧૭૩૯ સુધી વધે તેવી શક્યતા નકારી ન શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.