(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ફેડરલ રિઝર્વનાં વ્યાજદર વધારા માટેના આક્રમક અભિગમ ધ્યાનમાં રાખીને આવેલી તેજીએ થાક ખાતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કીમતી ધાતુઓમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૩૮ પૈસા ઉછળ્યો હોવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનાના ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૮થી ૩૯૯ની તેજી આવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૫૬૧ ઉછળી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની તેમ જ આગામી લગ્નસરા પેટે રિટેલ સ્તરની માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૮ વધીને રૂ. ૫૦,૩૧૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૯૯ વધીને રૂ. ૫૦,૫૧૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૬૧ના ઉછાળા સાથે ફરી રૂ. ૫૮,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૫૮,૬૧૦ના મથાળે રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ૦.૩ ટકાનું પુલબેક જોવા મળતાં સોના-ચાંદીની પડતરોમાં ઘટાડો થવાની સાથે રોકાણકારોની લેવાલીને ટેકે લંડન ખાતે સત્રના આરંભે ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૬૩૯.૧૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૧૬૪૦.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૯.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલ વૈશ્ર્વિક સોનાના ભાવમાં ઘટ્ડાતરફી વલણ જોવા મળ્યું છે. તેમ છતાં ભાવ સ્થિર થવા મથી રહ્યા હોવાનું જણાય છે. જોકે, ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે વ્યાજદર વધારો કરવામાં આક્રમક અભિગમ ધરાવતું હોવાથી ડૉલર મજબૂત થતાં સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા નકારી ન શકાય, એમ એસીવાય સિક્યોરિટીઝનાં ચીફ ઈકોનોમિસ્ટ ક્લિફોર્ડ બૅનૅટે જણાવ્યું હતું. વધુમાં અન્ય એક વિશ્ર્લેષકો જણાવ્યું હતું કે હાલમાં સોનાના ભાવે ઔંસદીઠ ૧૬૩૨ ડૉલની પ્રતિકારક સપાટી કુદાવી હોવાથી ભાવ વધીને ૧૬૪૮ ડૉલર સુધી પહોંચે તેમ જણાય છે.