ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ થતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૨૬નો અને ચાંદીમાં રૂ. ૮૦૭નો સુધારો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળવાની સાથે આ મહિનાના અંતની ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં ૧૦૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી શક્યતા પાતળી જણાતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની ઘટ્યા મથાળેથી લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૫થી ૨૨૬નો સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે મધ્ય સત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૮૦૭નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૦૭ વધીને રૂ. ૫૫,૫૭૪ના મથાળે રહ્યા હતા. તેમ જ મધ્ય સત્ર દરમિયાન સોનામાં ઘટ્યા મથાળેથી રિટેલ સ્તરની, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૫ વધીને રૂ. ૫૦,૪૨૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૬ વધીને રૂ. ૫૦,૬૨૯ના મથાળે રહ્યા હતા.
ગત શુક્રવારે અમેરિકા ખાતે યુનિવર્સિટી ઑફ મિશિગન દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વેક્ષણમાં જુલાઈ મહિનાનો ગ્રાહક ભાવાંકલક્ષી ફુગાવો પાંચ વર્ષની ઊંચી અને ગત જૂન મહિનાના ૩.૧ ટકા સામે ઘટીને ૨.૮ ટકાની સપાટીએ રહેવાની ધારણા મુકવામાં આવી હોવાથી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૧૦૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં આજે ડૉલર ઈન્ડેક્સ ૨૦ મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો. આમ ડૉલર ઈન્ડેક્સ ઊંચી સપાટીએથી પાછો ફરતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૭૧૩.૯૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૧૭૧૨.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૮.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આ સપ્તાહના અંતની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. વધુમાં પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત શુક્રવારે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૩ ટકા ઘટીને ૧૦૧૪.૨૮ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.