સોના-ચાંદીમાં આગળ ધપતો ઘટાડો: ચાંદીમાં રૂ. ૧૧૨૫ તૂટ્યા, સોનું રૂ. ૧૭૯ નરમ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જ્ળવાઈ રહેતાં વૈશ્ર્વિક બજાર પાછળ સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન બન્ને કીંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૯ અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૧૨૫ ઘટી આવ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં મોટો વધારો કરવામાં આવે ભીતિ હેઠળ વૈશ્ર્વિક સોનામાં સતત પાંચમાં સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો નોંધાય તેમ જણાઈ રહ્યું છે.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૨૫ ઘટીને રૂ. ૫૪,૫૬૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ મર્યાદિત રહેતાં મધ્ય સત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૯ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૧૮૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૩૮૬ના મથાળે રહ્યા હતા.
ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૦૯.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧.૯ ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. જોકે, આજે સત્રના આરંભે વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૧ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૭૦૭.૪૦ ડૉલર અને ચાંદીના ભાવ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮.૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યો હોવાથી રોકાણકારોની ડૉલરમાં લેવાલી રહેતાં સોનામાં તેજી રૂંધાઈ રહી હોવાનું ઓએએનડીએનાં વરિષ્ઠ વિશ્ર્લેષક જેફ્રી હેલીએ જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલરની મજબૂતીને જોતા તાજેતરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૫૦ ડૉલર સુધી વધે તેવી શક્યતા નહીંવત્ જણાય છે, જ્યારે ઔંસદીઠ૧૭૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.