(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં આક્રમક વધારો કરવાનો સંકેત આપતા વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્રના આરંભે ૨૯ પૈસાના કડાકા સાથે ૮૧.૦૮ના મથાળે ખૂલ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ગઈકાલના બંધથી ૧૭ પૈસા તૂટીને ૮૦.૯૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો તૂટતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાને કારણે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૩થી ૧૮૪નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૫૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૭૯નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૭૯ વધીને રૂ. ૫૭,૬૨૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ છતા ડૉલર મજબૂત થતાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૩ વધીને રૂ. ૪૯,૮૭૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૦૭૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાનો સંકેત આપતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો અને હાજરમાં ભાવ ઔંસદીઠ ૧૬૭૦.૧૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૧૬૭૮.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષાનુસાર ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની સાથે ભવિષ્યમાં પણ ફુગાવો ડામવા માટે આક્રમક અભિગમ અપનાવવાનો સંકેત આપ્યો હોવા છતાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો ન હોવાથી આગામી ટૂંકા સમયગાળા માટે ઔંસદીઠ ૧૬૫૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૧૭૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થવાની શક્યતા કેડિયા કૉમોડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ વ્યક્ત કરી હતી.

Google search engine