(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે હાજર સોનામાં ટકેલું વલણ અને વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૯થી ૧૪૦નો સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં આયાત પડતરમાં ઘટાડો થવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ ઔદ્યોગિક વપરાશકારો અને સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે રૂ. ૯૬નો સુધારો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૯ વધીને રૂ. ૪૯,૨૬૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૪૦ વધીને રૂ. ૪૯,૪૬૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારો, જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૬ વધીને રૂ. ૫૬,૪૫૦ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની નવી લેવાલી છૂટીછવાઈ રહેતાં હાજરમાં ભાવ ઔંસદીઠ ૧૬૭૩.૬૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ૧૬૮૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯.૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આવતીકાલે સમાપન થતી બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વ્યાજદર લાંબા સમયગાળા સુધી ઊંચી સપાટીએ જાળવી રાખવાનો જો સંકેત આપવામાં આવશે તો સોનાના ભાવ વધુ દબાણ હેઠળ રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર હાલ ડૉલર ઈન્ડેકસ ૨૦ વર્ષની ઊંચી સપાટીએથી સાધારણ ૦.૨ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગઈકાલે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ એક દાયકાની ઊંચી સપાટી આસપાસ રહી હતી. હાલ વૈશ્ર્વિક સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતું હોવાથી ગઈકાલે વિશ્ર્વના સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હૉલ્ડિંગ ઘટીને માર્ચ, ૨૦૨૦ પછીની અથવા અઢી વર્ષની સૌથી નીચી ૩૦,૭૯૯.૧૩૧ ઔંસની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

Google search engine