(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવામાં આવે તેવી ભીતિ સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં સત્રના આરંભે ૦.૮ ટકા અને ચાંદીના ભાવમાં ૧.૫૦ ટકા જેટલો ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩નો સાધારણ ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ ૧.૫૦ ટકા જેટલા તૂટ્યા હોવા છતાં સ્થાનિકમાં ૦.૯૯૯ ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૦૬નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ વધુ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩ના ઘસરકા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૯,૧૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૯,૩૨૮ના મથાળે રહ્યા હતા. જોકે, પ્રવર્તમાન શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ પાંખી હતી. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલી પણ નિરસ રહી હતી. પરંતુ જ્વેલરી ઉત્પાદકોની આગામી તહેવારોની મોસમ માટે છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી. વધુમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં .૯૯૯ ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી આક્રમક લેવાલી નીકળવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૦૬ના બાઉન્સબૅક સાથે ફરી રૂ. ૫૬,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૫૬,૩૫૦ના મથાળે રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ આવતીકાલથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ અપનાવીને ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા સાથે આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં રોકાણકારોએ સોનામાં નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવતાં સત્રના આરંભે હાજરમાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૧૬૬૧.૬૫ અને વાયદામાં ભાવ ૦.૮ ટકાના ઘટાડા સાથે ૧૬૭૦.૮૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૫૦ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯.૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ સિમ્પસને જણાવ્યું હતું કે જો ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ અપનાવશે તો સોનાના ભાવ ઔંસદીઠ ૧૬૦૦થી ૧૬૫૦ સુધી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય. હાલ બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા જોઈ રહ્યા છે.

Google search engine