વૈશ્ર્વિક સોનું આઠ સપ્તાહના તળિયે, સ્થાનિકમાં રૂ. ૩૮૨ ઘટીને રૂ. ૫૦,૦૦૦ની અંદર

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો કરે તેવા ફફડાટ વચ્ચે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઘટીને આઠ સપ્તાહના તળિયે પહોંચતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૧થી ૩૮૨નો ઘટાડો આવ્યો હતો અને ભાવ રૂ. ૫૦,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધી આવતા વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૯૪નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૨ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવા છતાં સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું ઓછું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ સાધારણ રૂ. ૯૪ ઘટીને રૂ. ૫૬,૨૫૬ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ, સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૧ ઘટીને રૂ. ૪૯,૭૧૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૮૨ ઘટીને રૂ. ૪૯,૯૧૮ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલના વ્યાજદરમાં આક્રમક વધારાની ભીતિ હેઠળ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે રોકાણકારો સોનામાં નવી લેવાલીથી દૂર રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને આઠ સપ્તાહની નીચી ઔંસદીઠ ૧૬૮૭.૨૯ ડૉલર આસપાસની સપાટીએ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૬૯૮.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯.૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૧૦૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ૩૭ ટકા શક્યતા ફેડ ફંડ ફ્યુચર્સમાં દર્શાવાઈ રહી છે. એકંદરે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા અને ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૬૭૫થી ૧૬૭૯ આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન ગઈકાલે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હૉલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૨૪ ટકા ઘટીને ૯૬૦.૫૬ ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.