(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સોનામાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૪૨ પૈસા વધીને ૭૯.૧૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૫થી ૨૯૭નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હોવાના ઓવરનાઈટ અહેવાલે ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૩૯ ઉછળીને રૂ. ૫૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૮૩૯ની તેજી સાથે રૂ. ૫૬,૭૭૬ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને ડૉલર નબળો પડવાને કારણે સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો, જ્વેલરી ઉત્પાદકોની વધુ ભાવઘટાડાના આશાવાદે તથા રિટેલ સ્તરની શ્રાદ્ધપક્ષને કારણે માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૫ ઘટીને રૂ. ૫૦,૩૬૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૯૭ ઘટીને રૂ. ૫૦,૫૬૬ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં રોકાણકારોએ અપનાવેલા સાવચેતીના અભિગમ ઉપરાંત ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતા સુધારો આવ્યો બાદ આજે હાજરમાં વધ્યા મથાળેથી હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૨૧.૧૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા ઘટીને ૧૭૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ગઈકાલે ચાંદીના ભાવ વધીને ગત ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વધ્યા મથાળેથી ૦.૭ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટાના આધારે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેનાર હોવાથી રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહ્યા હોવાનું સિટી ઈન્ડેક્સના એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે સામાન્યપણે વધતા ફુગાવા સામે સલામતી માટે સોનામાં હેજરૂપી લેવાલી નીકળતી હોય છે, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે સોનામાં સલામતી માટેની માગ રૂંધાઈ રહી છે.

Google search engine