રૂપિયામાં સુધારો અને વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં રૂ. ૨૧૯નો ઘટાડો, ચાંદી રૂ. ૩૭૬ વધી

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કીંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. આજે મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૩૭૬નો સુધારો આવ્યો હતો, જ્યારે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં પણ ઘટાડો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૭થી ૨૧૯નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૭૬ વધીને રૂ. ૫૫,૦૭૬ના મથાળે રહ્યા હતા. જોકે, મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ, રૂપિયામાં સુધારાને કારણે આયાત પડતરમાં ઘટાડો, વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ અને શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૭ ઘટીને રૂ. ૫૦,૪૫૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૧૯ ઘટીને રૂ. ૫૦,૬૫૮ના મથાળે રહ્યા હતા.
આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારા માટે કેવો અભિગમ અપનાવશે એનો સંકેત આપે તેમ હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતી અપનાવી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ૧૭૧૪.૪૧ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૮.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવામાં વર્ષાનુવર્ષ ધોરણે ૮.૧ ટકાની વૃદ્ધિ થવાનો બજાર વર્તુળો અંદાજ મૂકી રહ્યા છે અને આામી ૨૦-૨૧ સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મૂકાઈ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.