સોનામાં રૂ. ૨૧૭નો અને ચાંદીમાં રૂ. ૭૩૮નો ચમકારો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક સોનામાં એક ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર રોકાણકારોની નજર રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ૦.૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૬થી ૨૧૭નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૩૮નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ગઈકાલના ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૬ વધીને રૂ. ૫૦,૫૬૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૧૭ વધીને રૂ. ૫૦,૭૭૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૨૩ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાને કારણે વિશ્ર્વ બજારની તુલનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩૮ ઉછળીને ફરી રૂ. ૫૪,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે રોકાણકારોની નજર આજે કેટો ઈન્સ્ટિટ્યૂટ ખાતેની પરિષદમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કન નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કેટલો વધારો કરે તેના પર સ્થિર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૧૬.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ સાધારણ વધઘટે અથડાઈને ૧૭૨૮ ડૉલર તથા ચાંદીના ભાવ ઔંસદીઠ ૧૮.૫૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદરમાં મોટી માત્રામાં વધારો કરશે અને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ૫૦ અથવા ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.