રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૧૯૩નો સુધારો, ચાંદી રૂ. ૫૩૮ વધી

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૨૦ પૈસા નબળો પડીને ૭૯.૧૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતર વધવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨થી ૧૯૩ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૩૮ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલ ડૉલરની મજબૂતી અને રૂપિયાની નબળાઈને કારણે સ્થાનિક અને વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવમાં સામસામા રાહ જોવા મળી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી અત્યંત ખપપૂરતી રહે છે. આજે મધ્ય સત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨ વધીને રૂ. ૫૨,૨૦૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૪૧૧ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે મધ્ય સત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૩૮ વધીને રૂ. ૫૮,૬૬૧ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા વચ્ચે ડૉલર ઈન્ડેક્સ વધીને બે દાયકાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં રોકાણકારોની સોનામાં નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૦૫.૨૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ૧૮૦૭.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૯.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની ચિંતા અને વ્યાજદર વધતાં બજારમાં પ્રવાહિતામાં ઘટાડો અને તેને કારણે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ સપાટી પર હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૯૦થી ૧૮૩૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા એસપીઆઈ એસેટ્સ મેનેજમેન્ટ્સના મેનેજિંગ પાર્ટનર સ્ટીફન ઈન્સે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સામાન્યપણે આર્થિક અનિશ્ર્ચિતતાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ ડૉલર ઈન્ડેકસની મજબૂતી સોનામાં નવી રોકાણલક્ષી માગ રૂંધી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.