ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં સોનામાં રૂ.૩૩૯નો ઘટાડો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા સર્વિસીસના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વ્યાજમાં વધારો કરે તેવી શક્યતા સપાટી પર આવતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઘટીને ૧૭૦૦ ડૉલરની અંદર ઉતરી ગયાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને માગ ખપપૂરતી રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૮થી ૩૩૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૮૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૮૦ ઘટીને રૂ. ૫૨,૮૧૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩૮ ઘટીને રૂ. ૫૦,૨૨૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩૯ ઘટીને રૂ. ૫૦,૪૨૨ના મથાળે રહ્યા હતા.
અમેરિકાનો સર્વિસીસ ક્ષેત્રના આઈએસએમ સર્વિસીસ આંક મજબૂત આવ્યો હોવાથી અમેરિકન અર્થતંત્ર હજુ ખોરવાયું ન હોવાનો સંકેત આપી રહ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વને આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવા માટે મોકળાશ રહે તેવી ધારણા સાથે આજે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૧૬૯૨.૯૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકાના ઘટાડા સાથે ૧૭૦૩.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા સાથે ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં સોનામાં રોકાણલક્ષી માગ ઘટી રહી હોવાથી ગઈકાલે સોનાના વિશ્ર્વના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ સોમવારની સરખામણીમાં ૦.૨૧ ટકા ઘટીને ૯૭૧.૦૫ ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.