ડૉલરની રેલી અટકતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૯૫નો અને ચાંદીમાં રૂ. ૨૬૪નો સુધારો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ ડૉલરમાં આગેકૂચ અટકતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ સલામતી માટેની માગને ટેકે સુધારો આવ્યો હતો. તેમ છતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો પડવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪થી ૯૫નો અને ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૬૪નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૬૪ વધીને રૂ. ૫૩,૬૨૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪ વધીને રૂ. ૫૦,૫૬૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૫ વધીને રૂ. ૫૦,૮૬૫ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહી હતી.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ ડૉલર ઈન્ડેક્સમાં આગેકૂચ અટકી હતી તેમ છતાં ઈન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચી સપાટી આસપાસ રહ્યો હતો, પરંતુ તેજી અટકતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૭૧૭.૦૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૧૭૨૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૮.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે સુધારો જોવા મળ્યો હોવા છતાં, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું એએનઝેડના વરિષ્ઠ કૉમોડિટી એનાલિસ્ટ ડેનિયલ હેઈન્સે જણાવતા ઉમેર્યું હતું કે યુરોઝોનમાં જીવનનિર્વાહ માટેની કટોકટી સપાટી પર આવતાં ગ્રાહકો ખર્ચ કરવામાં સાવચેતી અપનાવી રહ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. વધુમાં યુરોપના મુખ્ય સપ્લાય રૂટ ગણાતા નોર્ડ સ્ટ્રીમ ૧ પાઈપલાઈન બંધ રહેતાં પાવરના ભાવમાં વધારો થવાથી ગ્રાહકોનું લોકમાનસ ખરડાવાની શક્યતા પ્રબળ બની છે. હવે રોકાણકારોની નજર આગામી ગુરુવારના રોજ યોજાનાર યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે, જ્યારે આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરની નીતિવિષિયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો કરે તેવી સક્યતા પણ રોકાણકારો જોઈ રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.