ફેડરલની મિનિટ્સ પશ્ર્ચાત્ વૈશ્ર્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએ સ્થાનિક સોનામાં રૂ. ૬૦નો અને ચાંદીમાં રૂ. ૧૧૭૧નો ઘટાડો

ટૉપ ન્યૂઝ બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વધી રહેલા ફુગાવાને અંકુશમાં રાખવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું વલણ જાળવી રાખશે, એવું છેલ્લી નીતિવિષિયક બેઠકની મિનિટ્સમાં ફલિત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સોનાના ભાવ ઘટીને ગત ત્રીજી ઑગસ્ટ પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. છતાં વિશ્ર્વ બજારના ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૭૧નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે ચાંદીના ભાવમાં ૧.૧ ટકા જેટલું ગાબડું પડ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૭૧ના ઘટાડા સાથે રૂ. ૫૭,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૫૬,૬૫૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૭૬૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૯૭૪ના મથાળે રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારાનું વલણ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે સોનાના ભાવ ઘટીને બે સપ્તાહની નીચી ઔંસદીઠ ૧૭૫૯.૧૭ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૬૧.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૭૭૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૫૦થી ૧૮૦૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં નિર્મલ બંગ કૉમોડિટીઝનાં વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે બીજી તરફ રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતાને કારણે સોનામાં બ્રેકઆઉટ જોવા મળે તેવી શક્યતા પણ નકારી ન શકાય. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૩૨ ટકા ઘટીને ૯૮૯.૦૧ ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.