વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ.૨૧નો ધીમો સુધારો, ચાંદીમાં રૂ.૨૧૦ની પીછેહઠ

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનામાં ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસા નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં પણ વધારો થવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અમે માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૧૦ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં એકંદરે રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. તેમ છતાં રૂપિયામાં નરમાઈ અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે હાજમાં ભાવ ગઈકાલના બંધથી રૂ. ૨૧ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૨૭૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૪૮૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૧૦ ઘટીને રૂ. ૫૮,૪૯૦ના મથાળે રહ્યા હતા.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સુધારાતરફી રહ્યા હતા. જોકે, આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે સુધારો મર્યાદિત રહેતાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૯૨.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૮૦૮.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલને તબક્કે એક તરફ ડૉલરની નબળાઈને કારણે સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ટ્રેઝરી બૉન્ડની યિલ્ડમાં થઈ રહેલા વધારાને કારણે સુધારો રૂંઘાઈ રહ્યો હોવાનું ડેઈલી એફએક્સનાં કરન્સી સ્ટ્રેટેજિસ્ટ ઈયા સ્પાયવીકે જણાવતાં ઉમેર્યું હતું કે આ બેતરફી વધઘટ સાથે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે એક ટકા જેટલો સુધારો આવ્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ફેડ ફ્યુચર્સ અંતર્ગતના ટ્રેડરો પૈકી ૬૧.૫ ટકા ટ્રેડરોનું માનવુ છે કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે, જ્યારે શેષ ૩૮.૫ ટકા ટ્રેડરો ૭૫ બેઝિસ પૉઈન્ટના વધારાનો અંદાજ મૂકી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.