Homeશેરબજારવિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૩૯નો ધીમો ઘટાડો, ચાંદી રૂ. ૬૩૯ ચમકી

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૩૯નો ધીમો ઘટાડો, ચાંદી રૂ. ૬૩૯ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલથી શરૂ થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૩૦ પૈસાનો ઘટાડો થવાને કારણે સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં સોનાના ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯નો ઘટાડો આવ્યો હતો. જોકે, ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૬૩૯ની આગેકૂચ જળવાઈ રહી હતી.
વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૬૮૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૮૯૮ના મથાળે રહ્યા હતા. જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૩૯ના સુધારા સાથે રૂ. ૬૬,૭૭૦ની સપાટીએ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક અને ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૪ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૮૮.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૭૯૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૪૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે રોકાણકારોની નજર આવતીકાલે (મંગળવારે) જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા તેમ જ બુધવારે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વ બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં કેટલો વધારો જાહેર કરે તેના પર સ્થિર થઈ હોવાને કારણે પણ રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. જોકે, ૯૩ ટકા ટ્રેડરોનું માનવું છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો જાહેર કરશે. વધુમાં ગત નવેમ્બર મહિનામાં અમેરિકા ખાતે સર્વિસીસ ખર્ચમાં વધારો થવાથી ક્ધઝ્યુમર પ્રાઈસીસમાં સાધારણ વધારો થયો હતો. તેમ છતાં એકંદરે વલણ ઘટાડાતરફી રહ્યું હતું. વધુમાં અમેરિકી ટ્રેઝરી સચિવ જૅનૅટ યૅલૅને વર્ષ ૨૦૨૩માં ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular