Homeશેરબજારવૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. ૨૦૯નું અને ચાંદીમાં રૂ. ૩૦૭નું બાઉન્સબૅક

વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. ૨૦૯નું અને ચાંદીમાં રૂ. ૩૦૭નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા કરતાં વધુ માત્રામાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૯નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૦૭ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૦૭ વધીને રૂ. ૬૫,૦૨૫ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી તેમ જ રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૯ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૫૭૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૭૯૨ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ટકેલું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૮૫.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ ૧૭૯૭.૩૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૭૬ ડૉલર આસપાસ રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૩-૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી નીતિવિષયક બેઠક પૂર્વે વૈશ્ર્વિક સોનાના ભાવ ડૉલર ઈન્ડેક્સની વધઘટ અનુસાર ઔંસદીઠ ૧૭૬૫થી ૧૭૯૫ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહેશે. જોકે, બહુધા બજાર વર્તુળોનું મંતવ્ય છે કે ફેડરલ રિઝર્વ તેની આગામી બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular