Homeશેરબજારચીનના વધુ શહેરોમાં કોવિડ-૧૯ નિયંત્રણો હળવાં થતાં વૈશ્ર્વિક સોનું પાંચ મહિનાની ટોચે...

ચીનના વધુ શહેરોમાં કોવિડ-૧૯ નિયંત્રણો હળવાં થતાં વૈશ્ર્વિક સોનું પાંચ મહિનાની ટોચે સ્થાનિક સોનામાં રૂ. ૩૧૬ની અને ચાંદીમાં રૂ. ૧૪૫૭ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચીનના વધુ શહેરોમાં કોવિડ-૧૯ને લગતા નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાના નિર્દેશો સાથે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને ડૉલર નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ પણ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી ડૉલર સામે રૂપિયામાં ૩૪ પૈસાનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ એક તરફ વૈશ્ર્વિક સોનાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનાની આયાત પડતરો પણ વધી આવતાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૫થી ૩૧૬ની તેજી આવી હતી, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૫૭ના ઉછાળા સાથે રૂ. ૬૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
પ્રવર્તમાન લગ્નસરાના સમયગાળામાં જ સોનામાં વિશ્ર્વ બજાર પાછળ તેજીનો પવન ફૂંકાઈ જવાથી અપેક્ષિત રિટેલ સ્તરની માગનો વસવસો જળવાઈ રહ્યો હતો. તેમ જ વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહી હતી. આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૫ વધીને રૂ. ૫૩,૭૫૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૧૬ વધીને રૂ. ૫૩,૯૭૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૫૭ની તેજી સાથે રૂ. ૬૫,૮૯૧ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ચીનના વધુ અમુક શહેરોમાં કોવિડ-૧૯ને લગતાં નિયંત્રણો હળવા કર્યાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટી આસપાસ પહોંચતા આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ આગલા બંધથી એક તબક્કે વધીને પાંચ મહિનાની ઊંચી ઔંસદીઠ ૧૮૦૯.૯૧ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધ આસપાસ ૧૭૯૯.૨૬ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૨.૧૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકાના રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં વધુ પ્રોત્સાહક આવ્યા હતા. તેમ જ આર્થિક મંદીની ચિંતા પણ દૂર થઈ હતી. તેમ છતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવો આશાવાદ ૯૧ ટકા બજાર વર્તુળો સેવી રહ્યા છે. વધુમાં લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) રશિયન કંપનીઓ અને રશિયન સેન્ટ્રલ બૅન્કના પ્રતિબંધને ટાળવા માટે લંડનની બૅન્કો દ્વારા રાખવામાં આવેલા રશિયન ગોલ્ડ બારની આંકડાકીય માહિતીઓ એકત્રિત કરી રહી હોવાનું ઉદ્યોગના એક જૂથે આજે જણાવ્યું હોવાના અહેવાલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular