રૂપિયો મજબૂત થતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૨૩૧નો ઘટાડો, ચાંદી રૂ. ૭૫૭ તૂટી

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ આગળ ધપતાં લંડન ખાતે સત્રના આરંભે સતત પાંચમા સત્રમાં સોનામાં રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૪૬ પૈસા મજબૂત થઈને ૭૯ની સપાટીની અંદર ૭૮.૬૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૦થી ૨૩૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૫૭નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો મજબૂત થવાથી સોનાના ભાવમાં વિશ્ર્વ બજારથી વિપરીત ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગ જોવા મળી હતી. આજે મધ્ય સત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૦ ઘટીને રૂ. ૫૧,૨૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૪૩૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે મધ્ય સત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૫૭ ઘટીને રૂ. ૫૮,૬૨૨ના મથાળે રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલરમાં નબળાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ગત પાંચમી જુલાઈ પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૧૭૭૫.૩૭ ડૉલરની સપાટીએ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૭૮૯.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ચાર મહિનાની નીચી સપાટી આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ એક મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ઈડી એન્ડ એફ મેન કેપિટલ માર્કેટના વિશ્ર્લેષક એડવર્ડ મેઈરે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ઘણાં મેક્રો ડેટા નબળા આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી તરફ આગળ ધપે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો અમેરિકાના આર્થિક ડેટા નબળા આવશે તો આર્થિક વૃદ્ધિને સંચાર આપવા ફેડરલ રિઝર્વ અમુક તબક્કે વ્યાજદરમાં વધારો કરવાનું બંધ કરશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે યુરોપ અને ચીન આર્થિક વૃદ્ધિને વેગ આપવા સ્ટિમ્યુલસ ખર્ચની દિશામાં વિચારણા કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.