વ્યાજદર વધારવામાં ફેડરલ આક્રમક વલણ નહીં અપનાવે એવો સંકેતઃ વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું રૂ. ૩૩૨ ઉછળીને રૂ. ૫૧,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૧૦૦૪ ચમકી

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની સાથે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ નહીં અપનાવવામાં આવે એવો નિર્દેશ આપતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૧થી ૩૩૨નો ઉછાળો આવ્યો હતો અને શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૫૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસાનો સુધારો દર્શાવતો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૦૦૪નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન વિશ્ર્વ બજાર પાછળ સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી નીકળી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૧ વધીને રૂ. ૫૦,૯૬૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩૨ વધીને રૂ. ૫૧,૧૭૪ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે મધ્ય સત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦૪ની તેજી સાથે રૂ. ૫૫,૮૪૪ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા.
વધતા ફુગાવાને ડામવા માટે ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે સતત બીજી વખત વ્યાજદરમાં અપેક્ષાનુસાર ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, ફેડરલના અધ્યક્ષે વ્યાજદરમાં વધારો કરવામાં આક્રમક વલણ અપવનાવવામાં નહીં આવે એવો સંકેત આપતા આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૭૪૩.૪૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકા વધીને ૧૭૩૭.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯.૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે ફેડરલ રિઝર્વના અધ્યક્ષે વ્યાજદરની સમીક્ષા કરવા માટેનો માર્ગ ખુલ્લો રાખ્યો હોવાથી આગામી વર્ષમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા ધૂંધળી હોવાનું વિશ્ર્લેષક એડવર્ડ મેઈરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિ જોતા આગામી ટૂંકા સમયગાળા અર્થાત્ એકાદ મહિના સુધી સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૭૮૦થી ૧૮૦૦ ડૉલરની રેન્જમાં અથડાતા જોવા મળે તેવી શક્યતા જણાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.