(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવા આશાવાદ સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જોવા મળતાં લંડન ખાતે સોનાના ભાવમાં મક્કમ વલણ રહ્યું હોવાના નિર્દેશ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૧૬ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી મધ્યસત્ર દરમિયાન ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૪૮૯નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૮૯ના સુધારા સાથે રૂ. ૬૧,૭૭૭ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની મર્યાદિત લેવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૪૫૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૬૬૨ના મથાળે રહ્યા હતા.
તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી વૈશ્ર્વિક સોનાના ભાવને ટેકો મળી રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૧૭૫૫.૧૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકાના સુધારા સાથે ૧૭૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આ સપ્તાહમાં અત્યાર સુધી સોનાના ભાવ ૦.૪ ટકા જેટલો સુધારો આવ્યો છે. વધુમાં આજે ચાંદીમાં ગઈકાલના ઉછાળા પશ્ર્ચાત્ હાજરમાં ભાવ ૦.૮ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૧.૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૨.૨ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
ડૉલર ઈન્ડેક્સની નરમાઈને કારણે સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો છે તે જોતાં આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૧૭૯૦થી ૧૮૨૦ ડૉલર આસપાસની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. એકંદરે વર્ષ દરમિયાન સોનામાં રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેવાને કારણે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના સોનાના હોલ્ડિંગમાં ૬૮ ટનનો ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.