સોનામાં રૂ. 93નો ઘસરકો, ચાંદીમાં રૂ. 324નો સુધારો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 75 બેઝિસ પૉઈન્ટનો વધારો કરતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારમાં સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો થતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 14 પૈસાનું બાઉન્સ બૅક જોવા મળતાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 93નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 324નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .999 ટચ ચાંદીમાં મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 324 વધીને રૂ. 61,074ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો, રોકાણકારો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં મધ્ય સત્ર દરમિયાન ભાવ 10 ગ્રામદીઠ રૂ. 93 ઘટીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 50,657 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 50,861ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 75 બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લેતા સોનામાં વધતા ફુગાવા સામે હેજરૂપી માગનું દબાણ ઘટ્યું હતું, જ્યારે આર્થિક વૃદ્ધિમાં અપેક્ષિત ઘટાડાને ધ્યાનમાં લેતા છૂટીછવાઈ સલામતી માટેની માગ રહી હતી. પરંતુ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વૃદ્ધિ થતાં સલામતી માટેની માગ ઓસરી ગઈ હોવાનું ઑસ્ટ્રેલિયા સ્થિત ટાઈગર બ્રોકર્સના વિશ્ર્લેષક માઈકલ મૅકકેર્થીએ જણાવ્યું હતું. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી 0.1 ટકા ઘટીને ઔંસદીઠ 1831.29 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી 0.7 ટકા વધીને ઔંસદીઠ 1832.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ 21.64 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.