વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૧૦૫નો ઘટાડો, ચાંદી રૂ. ૫૦૯ નરમ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત શુક્રવારે સોનાના ભાવમાં ૦.૩ ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો હતા. તેમ છતાં સ્થાનિકમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ તેમ જ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં સાધારણ પાંચ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી આયાત પડતરમાં ઘટાડો થવાથી હાજરમાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪થી ૧૦૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૦૯નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ ભાવઘટાડાના આશાવાદે રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી અને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪ના ઘટાડા સાથે રૂ. ૫૦,૮૬૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૫ના ઘટાડા સાથે રૂ. ૫૧,૦૬૪ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૦૯ ઘટીને રૂ. ૬૧,૦૬૭ની સપાટીએ રહ્યા હતા.
દરમિયાન આજે અમેરિકા ખાતે જાહેર રજા હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં કામકાજો પાંખાં રહ્યા હતા અને હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૪૧.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૪૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે ગત ૧૯મેથી વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૫થી ૧૮૮૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે છે અને તેમાં પણ રોકાણકારો કરતાં ટ્રેડરો વધુ સક્રિય હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ટ્રેડરો ૧૮૦૦ ડૉલર આસપાસની સપાટીએ ખરીદી અને ૧૮૮૦ ડૉલર આસપાસની સપાટીએ વેચાણ કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.