ફેડરલના અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વૈશ્ર્વિક સોનામાં ટકેલું વલણ: સ્થાનિક સોના-ચાંદીમાં રૂ. ૧૮૬નો ઘટાડો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના જેક્સન હોલ ખાતેના વક્તવ્ય પૂર્વે વૈશ્ર્વિક સોનાના હાજર ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે સોનાના વાયદામાં અને હાજર ચાંદીના ભાવમાં ૦.૧ ટકાનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક સોનાચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૫થી ૧૮૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૮૬નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાને કારણે પણ સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

બજારના સૂત્રોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સ્થાનિકમાં પણ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની સોનામાં છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૫ ઘટીને રૂ. ૫૧,૭૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૮૬ ઘટીને ફરી રૂ. ૫૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૫૧,૯૦૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮૬ના ઘટાડા સાથે રૂ. ૫૫,૬૯૭ના મથાળે રહ્યાં હતાં.

ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના જેક્સન હોલ ખાતેના વક્તવ્ય પૂર્વે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ટકેલું અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવા છતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૫૭.૯૯ ડૉલરની સપાટીએ ટકેલા ધોરણે તથા વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૭૭૦.૫૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જો અનૌપચારીક રીતે ફુગાવો અંકુશમાં નહીં આવે ત્યાં સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાનું જાળવી રાખશે, એવો ફેડરલ રિઝર્વ અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ આજના વક્તવ્યમાં સંકેત આપશે તો સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા અંદાજે ૬૦ ટકા ટ્રેડરો રાખી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.