ઘટ્યા મથાળેથી સોનામાં રૂ. ૧૫૭નો અને ચાંદીમાં રૂ. ૧૬૬નો સુધારો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે પુન: સોનાચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. તેમ જ સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક બજારના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૬થી ૧૫૭નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૬નો સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૬ વધીને રૂ. ૫૧,૩૭૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૫૬ વધીને રૂ. ૫૧,૫૭૮ના મથાળે રહ્યા હતા. તેમ જ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૬૬ના સુધારા સાથે રૂ. ૫૫,૧૬૬ના મથાળે રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવમાં આગલા બંધથી ૦.૭ ટકા જેટલો સુધારો નોંધાયો હતો. જોકે, આજે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષિયક બેઠકમાં આક્રમક ધોરણે વ્યાજ વધારે તેવી શક્યતાએ વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ જળવાઈ રહેવાની સાથે રોકાણકારોની નજર સપ્તાહના અંતે જેક્સન હોલ ખાતેનાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર હોવાથી નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અખત્યાર કરતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકાના ઘટાડા સાથે અનુક્રમે ઔંસદીઠ ૧૭૪૬.૧૮ ડૉલર અને ૧૭૬૯.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં રાખવા માટે ધ્યાન કેન્દ્રીત કરી રહી હોવાથી વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા, ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાને કારણે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી વિમુખ થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. આથી જ સોનાના વૈશ્ર્વિક અગ્રણી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના સોનાના હોલ્ડિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે હોલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૩ ટકા ઘટીને ૯૮૪.૩૮ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.