વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૨૮૧નો ઘટાડો! જાણો આજના સોના-ચાંદીના ભાવ

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં સાધારણ ૦.૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૦થી ૨૮૧ ઘટી આવ્યા હતા, જ્યારે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૪૪૭નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ ગત શુક્રવારના બંધથી કિલોદીઠ રૂ. ૪૪૭ના ઘટાડા સાથે ફરી રૂ. ૫૮,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને રૂ. ૫૭,૯૦૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૦ ઘટીને રૂ. ૫૧,૯૭૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૮૧ના ઘટાડા સાથે રૂ. ૫૨,૧૮૦ના મથાળે રહ્યાના અહેવાલ હતા.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ સતત ત્રીજા સત્રમાં ઘટીને ૨.૭૭૮૮ ટકાની સપાટીએ રહી હતી. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહ્યા હોવાથી હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૭૯.૩૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વધુમાં આજે સત્રના આરંભે વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૯૫.૭૦ ડૉલર આસપાસ અને હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ચીનના આર્થિક ડેટા નબળા આવ્યા હોવાથી વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હતી, પરંતુ ડૉલર ઈન્ડેક્સની મજબૂતને કારણે વૈશ્ર્વિક સોનું સલામતી માટેની માગ આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. ગત શુક્રવારે સોનાએ ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી સ્પર્શવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આમ વર્તમાન સ્થિતિ જોતા હાલ સોના માટે ઔંસદીઠ ૧૭૮૩ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય, એમ એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.