સોનામાં વધુ રૂ. 161નો અને ચાંદીમાં રૂ. 335નો ઘટાડો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વધતા ફુગાવાને દબાણ હેઠળ લાવવા માટે વધુ આકરા પગલાં લેવાનો સંકેત આપતાં આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 160થી 161નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર સામે રૂપિયો પણ મધ્ય સત્ર દરમિયાન એક તબક્કે ગઈકાલના બંધથી પાંચ પૈસા નબળો પડ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ત્રણ પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો નબળો પડવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 335 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્ય સત્ર દરમિયાન ઘટતી બજારના માહોલમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતાં હાજરમાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 160 ઘટીને રૂ. 50,790 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 161 ઘટીને રૂ. 50,994ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ ક્લિોદીઠ રૂ. 335 ઘટીને રૂ. 60,409ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષે ફુગાવા સામે લડવા માટે વ્યાજદરમાં એક ટકા સુધીનો વધારો કરવાનો અણસાર આપ્યો હોવાથી આજે ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં આજે મોડી સાંજે અમેરિકી સંસદમાં ફેડરલના અધ્યક્ષના નિવેદન પર રોકાણકારોની નજર હોવાથી સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ પણ રહ્યો હતો. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી 0.2 ટકા ઘટીને 1834.33 ડૉલર અને વાયદામાં ભાવ 0.1 ટકા ઘટીને 1835.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.5 ટકા ઘટીને ઔંસદીઠ 21.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.