(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે આજે ઘણીખરી બજારો નવાં વર્ષને કારણે બંધ રહી હતી. તેમ છતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ તેમ જ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં નવા વર્ષ ૨૦૨૩ના પ્રથમ સત્રમાં આજે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધથી ૧૫ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૫થી ૨૯૬નો સુધારો આગળ ધપ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫૭નો વધારો થયો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૫૭ વધીને રૂ. ૬૮,૩૪૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં મુખ્યત્વે વૈશ્ર્વિક બજારનાં મક્કમ વલણ અને રૂપિયો નબળો પડતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૫ વધીને રૂ. ૫૪,૯૪૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૯૬ વધીને રૂ. ૫૫,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૫૫,૧૬૩ના મથાળે રહ્યા હતા. જોકે, હાલમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવી ગયો હોવાથી સ્થાનિકમાં ખાસ કરીને જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ લગભગ સ્થગિત જેવી થઈ ગઈ છે અને માત્ર રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વૈશ્ર્વિક સ્તરે નવાં વર્ષની જાહેર રજાને કારણે ઘણીખરી બજારો બંધ હોવાથી વૈશ્ર્વિક બજારોનાં અહેવાલનો અભાવ રહ્યો હતો. જોકે, ગત સપ્તાહના અંતે શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ખાસ કરીને ડૉલર ઈન્ડેકસ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાથી હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૮.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ૧૮૨૬.૨ ડૉલર આસપાસ ટકેલાં રહ્યા હતા. આગામી વર્ષ ૨૦૨૩માં સોનાના ભાવની વધઘટનો આધાર વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કો ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદર વધારામાં કેવું વલણ અપનાવે છે તેના પર અવલંબિત છે.
નોંધનીય બાબત એ છે કે ગત સાલ માર્ચ મહિનામાં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર ઉપરની સપાટી આસપાસ હતા, પરંતુ ફેડરલ રિઝર્વે માર્ચથી વ્યાજદર જે શૂન્ય ટકા હતા તે વધારીને ૪.૨૫-૪.૫૦ ટકા સુધી વધારતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, વર્ષ ૨૦૨૩માં વ્યાજદરમાં વધારાને બાદ કરતાં વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા અને ચીનની કોવિડ મહામારીની સ્થિતિને ધ્યાનમાં લેતાં રોકાણલક્ષી માગમાં વધારો થવાની સાથે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં પણ વૉલ્યૂમ વધે તેવો આશાવાદ બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.
શુદ્ધ સોનું ₹ ૨૯૬ વધીને ₹ ૫૫,૦૦૦ની પાર, ચાંદી ₹ ૨૫૭ વધી
RELATED ARTICLES