રૂપિયો નબળો પડતાં સોનામાં ₹ ૨૫નો સુધારો, ચાંદી ₹ ૧૧૦ ઘટી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સોનાના ભાવમાં ગઈકાલના ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ચાર પૈસા નબળો પડવાને કારણે સોનાની આયાત પડતરમાં વધારો થવાથી ભાવમાં સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને સોનામાં ઘટતી બજારે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. તેમ છતાં રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૨૧૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૪૨૧ના મથાળે રહ્યા હતા. જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૦ના ઘટાડા સાથે રૂ. ૫૫,૦૦૦ની સપાટીએ બંધ રહ્યા હતા.
વધતા ફુગાવાને ડામવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતું હોવાથી રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહે છે. તેમ જ આ સપ્તાહના અંતે જેક્સન હોલ ખાતે વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કોની બેઠકમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ પણ અપનાવ્યો હોવાથી સોનામાં માગ નિરસ રહેતી હોવાનું સૂત્રો જણાવે છે. ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ એક તબક્કે ઘટીને ૨૭ જુલાઈ પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૭૨૭.૦૧ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ધીમો સુધારો આવ્યો હતો.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને અનુક્રમે ૧૭૩૯.૨૦ ડૉલર અને ૧૭૫૨ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી વધુ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.